આણંદ(Anand): આજકાલ દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ફરીવાર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. જેમાં સોજીત્રા તાલુકાના મઘરોલ ગામે ડમ્પર રિવર્સ લેતી વેળાએ ચાલકની બેદરકારીના કારણે એક વૃદ્ધાનું મોત થયું હતું. ડ્રાઈવર ડમ્પરને રોકે તે પહેલા તોતિંગ વ્હીલ વૃદ્ધાના માથા પર ફરી વળ્યું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સોજીત્રા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મઘરોલ ગામના ટેકરવાળા ફળિયામાં રહેતા શારદાબહેન રમેશભાઈ રાઠોડ તેના સાસુ ઈચ્છાબહેન (ઉંમર 61) સાથે રત હતા. 4 એપ્રિલના રોજ સવારે ઈચ્છાબહેન દૂધીવાલા વિસ્તારમાં આવેલા ખેતરમાં ડાંગર જોવા ઘરેથી નીકળ્યા હતા.
તેઓ મઘરોલ-બાલીંટા રોડ ક્રોસિંગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ડમ્પર રિવર્સમાં આવી રહ્યું હતું. ચાલકની બેદરકારીના કારણે ઈચ્છાબહેન ડમ્પર સાથે અથડાયા હતા અને તે પડી જતાં ડમ્પરનું તોતિંગ વ્હીલ તેના માથા પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અંગે શારદાબેન રાઠોડે સોજીત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.