સુરતમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના: બેફામ કાર ચાલકે શાકભાજીની લારીવાળાને અડફેટે લેતા મોત- જુઓ CCTV ફૂટેજ

રાજ્યમાં આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. સુરતમાં પણ છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાંથી ફરીવાર એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં શાકભાજીની લારી ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતાં યુવકને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા મોત નીપજ્યું છે. આ દરમિયાન, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા વસંતલાલ મેવાલાલ ગુપ્તા શાકભાજીના વેપારી છે. તેમને 4 બાળકો છે. તેમાંથી 22 વર્ષીય અંકિત પણ શાકભાજીની લારી ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. ગયા રવિવારે, અંકિત શાકભાજીની લારી લઈને ડિંડોલીના આરજેડી પ્લાઝા નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતી કારે તેને જોરદાર ટક્કર મારતાં તેના માથા, પગ અને છાતીમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ડીંડોલી પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી જ્યાં બીજી તરફ લોકોએ 108ને ફોન કરી ઇજાગ્રસ્ત અંકિતને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. 


પરિવારને આર્થિક મદદ કરી રહેલા તેમના વહાલા પુત્રનું અચાનક અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બીજી તરફ જે રીતે ઘટનાને અંજામ આપી કારચાલક ફરાર થઈ ગયો હતો તેનાથી સ્થાનિક લોકોમાં અને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મૃતક યુવકના સમર્થનમાં પરિવારના સભ્યો, સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વિરોધ કર્યો હતો. જોકે, આ બનાવ અંગે મૃતક અંકિતના પિતા દ્વારા ડીંડોલી પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ પોલીસ હજુ સુધી ડ્રાઇવરને શોધી શકી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

શાકભાજીની લારી લઈને રોડ પર જઈ રહેલા અંકિતને ડ્રાઈવરે ઉછાળ્યો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. અકસ્માતના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, 22 વર્ષીય અંકિત શાકભાજીની લારી લઈને પસાર થઈ રહ્યો હતો અને પાછળથી ડ્રાઈવરે તેને ટક્કર મારતાં તે જમીન પર પડ્યો હતો અને તેની લારીનો તમામ સમાન વેર-વિખેર થઈ ગયો હતો. હવે આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા ડ્રાઇવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Tags

Post a Comment

0 Comments