અંબાલાલ પટેલની આગાહીથી જગતનો તાત મુકાયો ચિંતામાં- અગામી 3 દિવસ આ વિસ્તારમાં પડી શકે છે માવઠું

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. 5, 6 અને 7 એપ્રિલના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણના ઉપરના અને મધ્યમ સ્તરે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ પડશે. 24 કલાકમાં હળવા વરસાદની શક્યતા છે. જે બાદ ફરી ગરમીનો પારો 37 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ એટલે કે 5 થી 7 એપ્રિલ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 5 અને 6 એપ્રિલે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદ થવાની સંભાવના છે. જ્યારે 7 એપ્રિલે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને અન્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ગોંડલ પંથકમાં ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ગોંડલ માર્કેટ યાર્ડમાં નદીઓ વહેતી હોવાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં ખેડૂતો દ્વારા ભારે જહેમતથી ખેતી કરવામાં આવેલ ઘઉં, ચણા, ધાણા, લસણ, ડુંગળી, મરચા સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ માવઠાએ ખેડૂતની વર્ષભરની મહેનત બરબાદ કરી દીધી હતી.

રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા રહેશે. અમદાવાદમાં તાપમાન 36 ડિગ્રી છે. માવઠા બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. માવઠાની સાથે રાજ્યમાં ગરમી પણ યથાવત રહેશે, પરંતુ તાપમાન સામાન્ય રહેશે. અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે. આ વખતે ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં વધુ જોવા મળી છે. જેના કારણે ઉનાળાની ઋતુમાં બેથી ત્રણ વખત વરસાદ પડ્યો છે.

એપ્રિલના મધ્ય સુધીમાં, ગરમીમાં 1 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જે સામાન્ય સરેરાશ તાપમાન કરતા થોડો ઓછો હશે. આ સમયગાળા દરમિયાન ગરમીની લહેર આવવાની કોઈ શક્યતા નથી. જોકે માવઠાની શક્યતા છે.
Tags

Post a Comment

0 Comments