આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન આજે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સરથાણા વિસ્તારમાં BRTS રૂટ પર ફૂલ સ્પીડમાં 108 આવી અને રસ્તો ક્રોસ કરી રહેલ યુવકને અડફેટે લઈ ફંગોળ્યો હતો. 5 ફૂટ દૂર ફંગોળાતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈટ્સ ખાતે રહેતો અનિલ રાજેશ ગોધાણી(21) અમદાવાદ સીએનો અભ્યાસ કરતો હતો અને છેલ્લા 3 મહિનાથી તેના કાકા કુમનભાઇના ઘરે રહેતો હતો. બુધવારે અનિલ તેની ફોઈના ઘરે હોળી રમવા ગયો હતો.
જાણવા મળ્યું છે કે, સિમાડા નાકા ઉમંગ હાઈટ્સની સામે બીઆરટીએસ રોડ પર એમ્બ્યુલન્સનો ચાલક તેને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જપા પામી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા અનિલને સારવાર અંગે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત, અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય કિર્તન માંડલિયા કમ્પ્યૂટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. જે ગઇકાલે મિત્રો સાથે વોટર પાર્કમાં નહાવા નીકળ્યો હતો. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા કિર્તન અને તેના મિત્ર કલીમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કિર્તનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના પણ સામે આવી છે.