લગ્ન એ દરેક વ્યક્તિના જીવનમાં ખુશીની ક્ષણ હોય છે. સુંદર લગ્ન સ્થળ, સરસ પોશાક અને ભવ્ય લગ્ન એ દરેકનું સપનું હોય છે. તેમના લગ્નને યાદગાર બનાવવા એ ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ તેલંગાણામાં એક કપલે એવા અનોખા લગ્ન કર્યા કે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
હકીકતમાં, તેલંગાણામાં લગ્ન પહેલા જ એક દુલ્હન બીમાર પડી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ઘરે લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. ગરીબ પરિવારને ડર હતો કે, તેમના પૈસા વેડફાઈ જશે અને ફરીથી લગ્નની તૈયારી કરવી ખૂબ મુશ્કેલ બનશે.
જણાવી દઈએ કે, ગરીબ પરિવારની દીકરી લગ્ન પહેલા જ હોસ્પિટલ પહોંચી હતી. તબિયત એટલી બગડી ગઈ હતી કે, ડોક્ટરોએ તેની સર્જરી કરવી પડી હતી. પરિવારે લગ્નની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. ઘરે મહેમાનો પણ આવી ગયા હતા. હવે બધા વિચારતા હતા કે કન્યા વગર લગ્ન કેવી રીતે થશે? આ દરમિયાન વરરાજાએ આવો નિર્ણય લીધો, જેના હવે દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.
વરરાજાએ હોસ્પિટલમાં કન્યા સાથે કર્યા લગ્ન
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વરરાજા લગ્નના દિવસે જ લગ્ન કરવા માંગતો હતો, જેથી લોકોના પૈસા ખોટા વેડફાય નહિ. આ પછી, છોકરી અને છોકરાના પરિવારજનોએ હોસ્પિટલના ડૉક્ટરોનો સંપર્ક કર્યો અને હોસ્પિટલમાં જ લગ્નની વિધિઓ પૂર્ણ કરવાની મંજૂરી માંગી. પરિવારને આશ્ચર્ય થયું જ્યારે ડૉક્ટરોએ લગ્ન માટે માત્ર સંમતિ જ આપી નહીં પરંતુ તમામ વ્યવસ્થા પણ કરી દીધી.
પરિવારનું કહેવું છે કે, હોસ્પિટલે તેમની દીકરીનો જીવ તો બચાવ્યો પણ તેને ઘર પણ બનાવી દીધું. તે જ સમયે, હોસ્પિટલના ડોકટરો કહે છે કે, વરરાજા વાસ્તવિક હીરો બન્યો. તેણે લગ્ન રદ કર્યા નથી. તેણે નિયત સમયે તમામ ધાર્મિક વિધિઓ કરી. આવું ભાગ્યે જ જોવા મળે છે.