હાઇવે થયો લોહીલુહાણ: સુરત નજીક પંચર પડતાં સર્જાયો અકસ્માત- પતરાં ચીરીને બહાર કાઢયો મૃતદેહ



આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મુંબઈ નેશનલ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા પંચર પડી જતાં રોડની સાઈડમાં પાર્ક કરવામાં આવેલા ડમ્પરમાં ટેમ્પો ઘૂસી જતાં બેનાં મોત નીપજ્યાં હતાં.

મળતી માહિતી મુજબ, માંગરોળના સવા પાટિયા નજીક મોડી રાત્રે મુંબઈ નેશનલ હાઈવે પર ડમ્પર અને આઈશર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રામઈકબાલ ચૌહાણ ડમ્પરમાં છોટાઉદેપુરથી રેતી ભરીને કડોદરા ખાલી કરવા જઈ રહ્યા હતા. 

આ દરમિયાન પંચર પડતાં ડમ્પર હાઇવેની સાઈડમાં ઉભું હતું. તેઓ ડમ્પરની પાછળ રિફ્લેક્ટર, ટાયર અને પથ્થરનો બ્લોક કરીને ડમ્પરને રિપેર કરતા હતા. ત્યારે પૂરપાટ ઝડપે હાઈવે પરથી પસાર થતો આઈશર ટેમ્પો ધડાકાભેર ડમ્પરમાં ઘૂસી ગયો હતો..

હાઈવે પર થયેલી આ ઘટનાને કારણે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં આઇશર ટેમ્પોના ચાલક મહેન્દ્રકુમાર ગૌતમ અને ધવલ દુધાતનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ડમ્પર અને આઈશર ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતના પગલે આઈશર ટેમ્પોની કેબિનનો ભુક્કો થઈ ગયો હતો. જ્યારે ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું અને મૃતદેહ કેબિનમાં ફસાઈ ગયો હતો. ભારે મહેનત બાદ ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. કોસંબા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Tags

Post a Comment

0 Comments