Kanjhawala Accident: મધરાત્રે નરાધમોએ યુવતીને 12 KM સુધી ઢસડી, કપડાં પણ ફાટી ગયા - આપ્યું દર્દનાક મોત

Kanjhawala Accident: નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજધાની દિલ્હીના સુલતાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં સ્કૂટી સવાર 20 વર્ષની યુવતીને લગભગ 12 કિમી સુધી રસ્તા પર ઢસડી જવાના કિસ્સાએ દેશને હચમચાવી નાખ્યો છે. યુવતીનું પોસ્ટમોર્ટમ સોમવારે થયું હતું. સાથે જ કોર્ટે પાંચેય આરોપીઓને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પોલીસનું કહેવું છે કે, યુવતી સાથેની ઘટનાના થોડા કલાકો પહેલા આરોપીએ મિત્ર પાસેથી કાર લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ પુરાવાના આધારે સમયરેખા બનાવવામાં આવશે. આ માટે આરોપીઓને ક્રાઈમ સ્પોટ પર લાવવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આરોપીઓ સામે વધુ કલમો ઉમેરવામાં આવશે.

FIRની નકલ અનુસાર, પોલીસે સોમવારે સવારે 5 વાગ્યે કેસ નોંધ્યો હતો. અકસ્માતનો સમય 1 જાન્યુઆરીના રોજ સવારે 2 થી 4 વાગ્યાનો છે. ઘટનાસ્થળે પોલીસને અકસ્માતગ્રસ્ત સ્કૂટી અને બુટ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ સ્કૂટી રેખા નામની મહિલાના નામે હતી, જેણે પાંચ વર્ષ પહેલા સ્કૂટી વેચી હતી. સ્કૂટીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કંજાવાલાના જોન્ટી ગામ પાસે એક યુવતીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે 3 pcr કોલ આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસે કાર નંબર DLBCAY 6414ની તપાસ કરી હતી. આ કાર લોકેશ નામના વ્યક્તિની હતી. કારના માલિક લોકેશે પોલીસને જણાવ્યું કે, કાર રોહિણીમાં રહેતા તેના સાળા આશુતોષ પાસે છે. તે જ સમયે જ્યારે પોલીસે આશુતોષનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યું કે, તેના મિત્રો દીપક ખન્ના અને અમિત ખન્ના 31 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે કાર લઈને ગયા હતા. 1 જાન્યુઆરીના રોજ સવારે 05:00 વાગ્યે આકસ્મિક હાલતમાં મૂકીને ચાલ્યા ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, અમિત અને દીપકે આશુતોષને કહ્યું હતું કે, તેઓ દારૂ પી ગયા છે. કૃષ્ણ વિહારમાં તેણે સ્કૂટી પર સવાર એક છોકરીને પોતાની ગાડી પર 4 કિલોમીટર સુધી ઢસડી હતી. તેનાથી તે ડરી ગયો અને કાંઝાવાલા તરફ આવી ગયા હતા. દીપકે પોલીસને જણાવ્યું કે, તે કાર ચલાવતો હતો. તેની બાજુમાં મનોજ મિત્તલ બેઠો હતો. જ્યારે આરોપી મિથુન, કૃષ્ણન અને અમિત પાછળની સીટ પર હતા.

દીપકે પોલીસને જણાવ્યું કે, સ્કૂટી પર સવાર યુવતીને અડફેટે લીધા બાદ તેણે પાછળ વળીને જોયું નથી અને ડરના માર્યા તે ઝડપથી કાર ચલાવીને ભાગી ગયો. જ્યારે તેણે કાંઝાવાલા રોડ પર જોન્ટી ગામમાં કાર રોકી ત્યારે યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી. તેઓએ યુવતીને કારમાંથી કાઢી અને તેને ત્યાં જ છોડીને ભાગી ગયા. ત્યારબાદ આશુતોષના ઘરે કાર પાર્ક કરીને પોતપોતાના ઘરે જતાં રહ્યા.

તે જ સમયે, સોમવારે સાંજે ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હી પોલીસને આ મામલાને લઈને તાત્કાલિક રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની મહિલા અધિકારી શાલિની સિંહ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે શાલિની સિંહને ટૂંક સમયમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.

Tags

Post a Comment

0 Comments