પતંગની દોરીએ કાપી જિંદગીની દોર: ઉતરાયણ પહેલા જ વડોદરામાં બાઇકસવારનું આખે-આખુ ગળું કપાયું, પરિવારમાં છવાયો માતમ

હજુ તો ઉતરાયણ શરૂ પણ નથી થઈ ત્યાં તો પતંગની દોરીથી ગળા કપાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. બે દિવસ પહેલા જ પૂર્વ નેશનલ હોકી પ્લેયરનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું. ત્યારે આજે વધુ એક બાઇકસવારનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, વડોદરા નજીક રણોલીમાં આવેલી શોભા પાર્ક સોસાયટીમાં રહેતા 46 વર્ષીય મહેશભાઈ ભગવત પ્રસાદ ઠાકુર સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટર ચલાવે છે. તેઓ આજે સાંજે 5 વાગ્યે તેમના માણસોને લેવા મુકવા માટે સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન ગળાના ભાગે પતંગના દોરાથી તેમને ગંભીર ઇજા થતાં 108 દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહેશ ઠાકુરને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

જ્યારે તેના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે પરિવાર આઘાતમાં સારી પડ્યો હતો. જાણવા મળ્યું છે કે, મૃતક મહેશભાઈ પરિણીત હતા અને તેમને એક પુત્ર છે. મહેશભાઈના મોતની ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉત્તરાણયણ પર્વને હજુ 10 દિવસ બાકી છે. ત્યારે પતંગની દોરીથી વધુ યુવકનું મોત નીપજ્યું છે, ત્યારે શહેરીજનોએ અને ખાસ બાઇકસવાર માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. માણસોની સાથે સાથે પક્ષીઓ માટે પણ પતંગનો દોરો જીવલેણ સાબિત થઇ રહ્યો છે.

Tags

Post a Comment

0 Comments