તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પ્રથમ ગોલ્ડ ATM લગાવવામાં આવ્યું છે. આ ATM માંથી સોનાના સિક્કા ઉપાડી શકાય છે. આ ATM લગાવવાથી સોનામાં રોકાણ ATMમાંથી પૈસા ઉપાડવા જેટલું સરળ બની ગયું છે. ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આ ATMમાંથી સોનું ઉપાડી શકાય છે.
મળતી માહિતી મુજબ, ગોલ્ડ કોઈન કંપનીનો દાવો છે કે, તે વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ ATM છે. આ ATM ગોલ્ડ કોઈનની હેડ ઓફિસ, અશોક રઘુપતિ ચેમ્બર્સ, પ્રકાશ નગર મેટ્રો સ્ટેશન, બેગમપેટ ખાતે લગાવવામાં આવ્યું છે.
સોનાની ખરીદી અને વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલી ગોલ્ડ કોઈન નામની કંપનીએ આ ATM શરૂ કર્યું છે. આના દ્વારા કોઈપણ વ્યક્તિ માટે સોનામાં રોકાણ કરવું સરળ બની ગયું છે. આ ગોલ્ડ એટીએમમાંથી સોનાની કિંમત લાઈવ અપડેટ કરવામાં આવશે.
આ મહિનાની શરૂઆતમાં સોનાની કિંમત 54,630 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ પણ સોનાની માંગ વધી રહી છે. આ ગોલ્ડ ATM 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સિક્કાઓનું વિતરણ કરશે.
ગ્રાહકોને સોનું ખરીદવા માટે મળશે 24 કલાકની સુવિધા
કંપનીનું કહેવું છે કે, ગોલ્ડ ATM એ વાતનો પુરાવો છે કે લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે. સોનાની માંગ વધી રહી છે. હવે આમાંથી શુદ્ધ સોનું સરળતાથી મળી રહે છે. ગોલ્ડ કોઈનથી સોનું ખરીદવું સરળ બની ગયું છે. ગોલ્ડ એટીએમનો હેતુ ગ્રાહકોને સોનું ખરીદવા માટે 24 કલાક સુવિધા આપવાનો છે.
ગોલ્ડ ATM ગ્રાહકોને શુદ્ધ સોનું આપે છે. ગોલ્ડ ATMમાંથી વિતરિત કરાયેલા સિક્કા 24 કેરેટ સોનાના છે. તેની સ્ક્રીન પર સોનાની લાઈવ કિંમત જોવા મળશે. આ ATMમાં 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સોનાના સિક્કા ઉપલબ્ધ છે. અહીંથી કોઈ પણ વ્યક્તિ 0.5 ગ્રામથી ઓછું અથવા 100 ગ્રામથી વધુ સોનું ખરીદી શકશે નહીં.