અમદાવાદમાં આજે એટલે કે 14મી ડિસેમ્બરથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સ સિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના કિનારે 600 એકર જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું છે. આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. અહી પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે.
જણાવી દઈએ કે, નારી ઉત્કર્ષ મંડપમમાં રોજ બપોરે 2:30 થી 4:30 દરમિયાન મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો દ્વારા પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપવામાં આવશે. ‘નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે 5:00 થી 7:30 દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની હાજરીમાં હજારો લોકો વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે.
24 દેશના વડા આવવાના હોવાથી ચાર્ટર્ડ પ્લેનનો ટ્રાફિક વધશે
શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો હાજરી આપશે. જ્યારે 24 દેશના પ્રધાનમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી એક મહિનો ચાલનારા મહોત્સવમાં તેઓ કોઈ એક દિવસે હાજરી આપશે, જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન રહેશે.
20 હજાર રૂમનું થઇ ચુક્યું છે એડવાન્સ બુકિંગ:
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહમાં 1 મહિનામાં કુલ 3 લાખ NRI આવશે. જેના કારણે અમદાવાદની તમામ ફાઈવસ્ટાર હોટેલોમાંથી 90 ટકા અને ફોર સ્ટાર હોટલોમાં 70 ટકા બુકિંગ થઈ ગઈ છે. એટલે કે 20 હજાર રૂમ એડવાન્સમાં બુક કરાવ્યા છે. ફાઈવ સ્ટાર હોટલોમાં પણ પ્રથમવાર સ્વામિનારાયણના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં હોટલોમાં તેમના માટે અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, 600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી બુધવારના રોજ ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફતે ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરી દેવામાં આવ્યાં છે. આ સાથે આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.