હાલમાં મોતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુપીના લખનૌમાં લગ્નની પાર્ટી માતમમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે સ્ટેજ પર રહેલી દુલ્હનનું અચાનક જ મોત થઈ ગયું. દુલ્હનનું નામ શિવાંગી છે અને તે વરરાજાને માળા પહેરાવવા સ્ટેજ પર પહોંચી હતી. માળા પહેરાવ્યા બાદ અચાનક ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી. જે બાદ તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તબીબના કહેવા મુજબ દુલ્હનનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
લખનૌના ભડવાનામાં રહેતા રાજપાલની પુત્રી શિવાંગીના શુક્રવારે રાત્રે લગ્ન હતા. યુવતીના પરિવારજનો જાન આવવાની રાહ જોઈ રહ્યા હતા. ધાર્મિક વિધિઓ બાદ વરરાજા માળા પહેરાવવા માટે સ્ટેજ પર પહોંચ્યો અને કન્યાની રાહ જોઈ રહ્યો હતો. થોડા સમય પછી કન્યા વરમાળા સાથે સ્ટેજ પર પહોંચી. માળા પહેર્યા બાદ શિવાંગી અચાનક સ્ટેજ પર પડી ગઈ હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નના 15-20 દિવસ પહેલા શિવાંગીની તબિયત ખરાબ હતી. તેને તાવ હતો. તેને ડોક્ટરને પણ બતાવવામાં આવ્યું હતું. ત્યારે ડોક્ટરે જણાવ્યું કે શિવાંગીનું બ્લડ પ્રેશર લો છે. આ પછી લગ્નના દિવસે પણ અચાનક તેની તબિયત બગડી હતી. બ્લડ પ્રેશર ઓછું હોવાનું તપાસવા પર તેમને મલિહાબાદ સીએચસીમાં લઈ જવામાં આવી હતી. દવા આપ્યા બાદ તેને ઘરે લાવવામાં આવી અને બીપી નોર્મલ થઈ ગયું હતું. પરંતુ, રાત્રે વરમાળા દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
દુલ્હનના મોત બાદ બંને પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. થોડીવારમાં બધી ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ. આ દુ:ખદ ઘટનાને કારણે દુલ્હનની માતા કમલેશ કુમારી, નાની બહેન સોનમ, ભાઈ અમિત, કોમલ સહિતના પરિવારજનો રડી પડ્યા હતા. શનિવારે પરિવારે શિવાંગીના અંતિમ સંસ્કાર કર્યા હતા. શિવાંગીના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ પણ કરી ન હતી. બંને પક્ષોનું કહેવું છે કે તેઓ આ મામલે કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી.