આજકાલ વધી રહેલા આપઘાતના બનાવો દરમિયાન હાલમાં રાજ્યમાંથી ફરીવાર એક આપઘાતના સમાચાર સામે આવ્યા છે. જેમાં, સુરતના અમરોલી વિસ્તારમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. પરિવારની દીકરીએ અંતિમ પગલું ભરતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ધોરણ 12માં તેના ઓછા ટકાના કારણે તે ડિપ્રેશનમાં હતી. ડોક્ટર બનવાનું સપનું જોતી દીકરી પરીક્ષામાં ખરાબ પરિણામને કારણે ડિપ્રેશનમાં રહેતી હતી. પુત્રી MBBS કરવા માંગતી હતી અને 12મા અને NEETમાં ઓછા માર્ક્સ મળવાને કારણે તે પરેશાન હતી. ઘરે કોઈ ન હોવાથી તેણે મોતનો માર્ગ અપનાવ્યો.
મૃતક ક્રીનલના પિતા કિરીટ પ્રજાપતિએ જણાવ્યું કે, માતા બંને પુત્રોને શાળાએ મુકવા ગઈ હતી અને મોટી પુત્રી ક્રીનલે ઘરમાં એકલતાનો લાભ ઉઠાવીને આત્મહત્યા કરી લીધી હતી. માતા ઘરે આવતાની સાથે જ તેણે જોયું કે તેની પુત્રી ફાંસી પર લટકતી હતી અને જમીન પર ઢળી પડી. બૂમો પાડતા પાડોશીઓ દોડી આવ્યા હતા. દીકરીને પાડોશી ખાનગીમાંથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરવામાં આવી હતી.
કિરીટ પ્રજાપતિ તેમની પત્ની, એક પુત્રી અને બે પુત્રો સાથે અમરોલી વિસ્તારમાં રહે છે. કિરીટ પ્રજાપતિ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. પુત્રી ક્રીનલે હાલમાં જ 12માની પરીક્ષા આપી હતી જેમાં તે પાસ થઈ હતી. જોકે, તેની ટકાવારી ઓછી હતી.
પરિવારે જણાવ્યું કે, ક્રીનલ પરિવારની એકની એક દીકરી અને લાડકી હતી. એક પુત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે બીજો પુત્ર આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. ક્રીનલે 12 સાયન્સનો અભ્યાસ કર્યો અને પાસ થઈ હતી. તેના પર કોઈપણ પ્રકારનું દબાણ નહોતું. તેને અભ્યાસમાં સપોર્ટ કરતા હતા.
વધુમાં જણાવ્યું કે, ક્રીનલે 12મા સાયન્સમાં 55 ટકા માર્ક્સ મેળવ્યા છે. જ્યારે NEET પરીક્ષામાં 720 માંથી 352 માર્કસ આવ્યા હતા. ક્રીનલ 12મા અને NEETની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાને કારણે ડિપ્રેશનમાં હતી. આ કારણે તેણે ઘરે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હોવાનું અનુમાન છે.