હાલમાં જ્યારે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે જાણવા મળ્યું છે કે, ભારે વરસાદના કારણે હાલોલમાં પાણી ભરાયા છે. આથી ચંદ્રપુરા ગામમાં આવેલી સનમુખા એગ્રો કેમિકલ કંપનીની દિવાલ પાણીના જોરદાર પ્રવાહને કારણે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે બાજુના ખુલ્લા પ્લોટમાં ઝૂંપડું બનાવીને શિવરાજપુર જીએમડીસીમાં ડસ્ટનું કામ કરતા બે મજૂર પરિવારો દીવાલ નીચે દટાઈ ગયા હતા, જેમાં બે બાળકો અને બે બાળકીનાં મોત નીપજ્યાં છે. જેમાંથી 3 સગા ભાઈ-બહેન હતા. એક જ દંપતીના બે પુત્ર અને એક પુત્રીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલોલના ઔદ્યોગિક વિસ્તારના ચંદ્રપુરા ગામે આવેલી શૈલી એન્જીનીયરીંગ કંપની સામે આ અકસ્માત સર્જાયો હતો.
હાલોલની ઔદ્યોગિક વસાહતમાં આવેલી સનમુખા એગ્રો કંપનીની દિવાલ બપોરના સમયે ભારે વરસાદ દરમિયાન ધરાશાયી થઈ હતી. બાજુમાં ઝૂંપડું બાંધી રહેલા મજૂરોના પરિવાર પર તે પડવાથી અકસ્માત સર્જાયો હતો, જેમાં આઠ લોકો ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં બે બાળક અને બે બાળકીના મોત થયા હતા, જ્યારે ઈજાગ્રસ્ત એક બાળક, બાળકી અને બે મહિલાને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. હાલોલ પ્રાંત અધિકારીને અકસ્માતની જાણ થતા પ્રાંત અધિકારી મયુર પરમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.