હાલમાં અમદાવાદ(Ahmedabad)માંથી એક કાળજું કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કુંવારી માતાએ બદનામીના ડરથી, બાથરૂમમાં બાળકને જન્મ આપ્યા પછી તરત જ નવમા માળની બારીમાંથી નીચે ફેંકી દીધી. આ યુવતીએ બાળકને જન્મ આપી ફેંકી દીધા બાદ પથ્થર દિલની આ જનેતાએ બાળકને કફન માટે કાપડ પણ આપ્યું નહીં.
પોલીસે બાળકના વિખેરાયેલા અંગો ભેગા કર્યા ત્યારે સફેદ કપડું હતું પરંતુ પોલીસને બીજા કપડાની જરૂર હતી. પરંતુ મૃતક બાળકના પરિજનોએ તે કપડું પણ આપ્યું ન હતું. જેથી પોલીસે સોસાયટીના અન્ય સભ્ય પાસેથી કપડા માંગતા એક રહીશે ચાદર આપી હતી. જે બાદ પોલીસ દ્વારા બાળકના મૃતદેહને સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવ્યો અને તેના પર ચાદર લપેટીને તેને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ હતી.
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, મારી ત્રણ બહેનો છે. મોહિની(નામ બદલ્યું છે) ત્રીજા નંબરની બહેન છે. મોહિની ઉઝબેકિસ્તાનમાં જોબ કરે છે. ફેબ્રુઆરીમાં મારા દાદાનું મોત થતા તે રિટર્ન આવી હતી અને ત્યારબાદ તે પરત જતી રહી હતી. જોકે, પાસપોર્ટ રિન્યૂ કરાવવા માટે તે પરમ દિવસે જ આવી હતી.
આ અંગે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં રહેતા હિમાંશુ ડોડિયાએ જણાવતા કહ્યું કે, સવારે 8:30 વાગ્યે હું સૂતો હતો અને અચાનક જ મારા ફોનની રિંગ વાગી. મેં જોયું તો સિક્યોરિટીવાળાનો ફોન હતો એટલે મેં આ ફોન રિસીવ કર્યો. સિક્યોરિટીવાળા ભાઈએ મને કહ્યું કે કોઈએ તાજું જન્મેલું બાળક નીચે ફેંકી દીધું છે. મારા મનમાં એમ હતું કે, કોઈએ ડાયપર નીચે ફેંક્યું હશે એટલે મેં તેને કહ્યું કે કોઈએ ડાયપર ફેંક્યું હશે, હું આવું છું તો ફરીથી સિક્યોરિટીવાળાએ મને કહ્યું ના સાહેબ બાળક તાજું જન્મ્યું છે અને ઉપરથી કોઈએ ફેંક્યું છે. આ સાંભળીને હું ચોંકી ગયો અને ઝડપથી હું નીચે ગયો અને જોયું તો નવજાત બાળક જમીન પર પડેલું હતું. બાળકના પડવાથી લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. બધે લોહી હતું. આ દ્રશ્ય જોઈને મને ખૂબ જ દુ:ખ લાગ્યું અને મારા મનમાં પહેલો પ્રશ્ન એ આવ્યો કે આવું કોણ કરી શકે?
ઘટનાની ગંભીરતાને કારણે મેં સવારે 8:30 વાગ્યે બિલ્ડરને ફોન કર્યો હતો અને આસપાસના લોકોને પણ બોલાવ્યા હતા. ત્યાર બાદ મેં સિક્યોરિટી ભાઈને પોલીસને ફોન કરવાનું કહ્યું. જે બાદ થોડીવારમાં પોલીસ પણ આવી ગઈ અને ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે પહોંચી ગઈ. બાળક E અને F બ્લોકની વચ્ચે પડેલું હતું, જે પાર્કિંગ વિસ્તાર છે, તેથી ત્યાં કોઈ CCTV નહોતા. ગેટ પર લગાવેલા સીસીટીવીમાં પણ બહારથી કોઈ અજાણી વ્યક્તિ ફ્લેટમાં પ્રવેશતી જોવા મળી ન હતી.
આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર વીએસ વણઝારાએ જણાવ્યું કે, 08:41 વાગ્યે ચાંદખેડા સ્કાય વોક બિલ્ડિંગના ચોકીદાર તરફથી કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો કે સ્કાય વૉચ બિલ્ડિંગના E અને F બ્લોકની વચ્ચે નવજાત બાળકને ફેંકી દેવામાં આવ્યું છે. જેથી અમારો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં એક નવજાત બાળક નાળ સાથે પડેલું જોવા મળ્યું હતું. તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને ચારે બાજુથી લોહી વહી રહ્યું હતું. જે બાદ અમે ફ્લેટમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી. જેથી એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે 9મા માળે લોહીના ડાઘ જોવા મળ્યા હતા અને કેટલીક ચામડી પણ પડી હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ તેને નીચે ફેંકતી વખતે તે નવમા માળેથી નીચે આવેલા એક માળના છજા સાથે પણ બાળક અથડાયું હતું. તેથી અમે નવમા માળે પ્રવેશ્યા. જ્યાં બાલ્કની અને બાથરૂમમાં પણ લોહીના ડાઘા જોવા મળ્યા હતા. તેથી અમારી શંકા પાક્કી થઈ ગઈ. અમે ઘરે પૂછપરછ શરૂ કરી. જ્યાં અમને ખબર પડી કે મોહિની બીમાર છે. જેથી અમે તેના વિશે વધુ પૂછપરછ કરી હતી. પોલીસની શંકા વધુ ઘેરી થતાં જ આ મહિલાની પૂછપરછ શરૂ થઈ.
પૂછપરછ દરમિયાન મોહિનીએ જણાવ્યું કે, તેણે M.Com કર્યું છે. તે હાલમાં એક ટ્રાવેલ કંપનીમાં કામ કરે છે. જ્યારે તેના પરિવારમાં તેના માતા-પિતા, તેનો ભાઈ અને ત્રણ બહેનો છે. થોડા સમય પહેલા તેણે પારિવારિક સમસ્યાઓના કારણે તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ તેની સાથે કામ કરતા યુવક સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને 2021થી રિલેશનશિપમાં હતા. તેણી ઓફિસના કામ માટે ઉઝબેકિસ્તાન ગઈ હતી અને 18 એપ્રિલની સવારે ઘરે આવી હતી. આ અનૈતિક સંબંધના કારણે તે ગર્ભવતી બની હતી પરંતુ લગ્ન નહીં થાય અને સમાજમાં તેની બદનામી થશે તેવા ડરથી તેણે બાળકને ફેંકી દીધું હતું.