ધોળા દિવસે ચોરોએ સોનાની દુકાનમાં હાથ સાફ કર્યો, બંદુકની અણીએ મચાવી લૂંટ

આજકાલ રાજ્યમાં ચોરી  લૂટફાટના કિસ્સાઓ ઘણા વધી ગયા છે. ત્યારે અમદાવાદમાં પણ સતત ગુનાખોરી વધી રહી છે. ત્યારે નરોડા ફ્રૂટ માર્કેટ સામે સોનીની દુકાનમાં ઘૂસીને લૂંટ કરવાનો પ્રયત્ન થયો હતો. લૂંટારુઓ જ્યારે બેગ લઈને જતા હતા, ત્યારે સોનીએ તેને રોકતા સોનીને માથામાં બંદૂકના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આ અંગે શહેર કોટડા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શહેરના અસારવા વિસ્તારમાં રહેતા સંજય સોનીની નરોડા ફ્રૂટ માર્કેટ નજીક પેટ્રોલ પંપની પાસે શિવકૃપા જ્વેલર્સ નામની દુકાન છે. સવારે 9:30 વાગતા સંજયભાઈ મિત્રને મળીને પોતાની દુકાને ગયા હતા. દુકાન પહોંચીને તેઓ પૂજા કરી માલ ગોઠવી રહ્યા હતા. આ દરમિયાન દુકાનમાં 9:56 વાગ્યે અજાણ્યા બે વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જેમના હાથમાં બંદૂક પણ હતી.

બંદૂક બતાવીને એક વ્યક્તિએ લૂંટનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સંજયભાઈએ બંદૂક સાથે આવેલ શખ્સોનો સામનો કર્યો તો બંને શખ્સોએ સંજયભાઈને બંદૂક વડે મારવાનું ચાલુ કર્યું હતું. જોકે ઇજાગ્રસ્ત હાલતમાં સંજયભાઈ દ્વારા બંને શખસોનો સામનો કરવામાં આવતા બેગ છોડી દીધી હતી. જે બાદ આસપાસના લોકો પણ ભેગા થઈ હતા. જેથી બંને શખ્સો દુકાન બહાર નીકળીને બાઇક લઈને ભાગી ગયા હતા.

આ અંગે પોલીસને જાણ થતાં ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદના બુલિયનના વેપારીની દુકાનમાં કામ કરતા કર્મચારીએ મુંબઈ 25 કિલો સોનાની ડિલિવરી આપવા જતા રસ્તામાં જ મિત્રો સાથે મળીને 13.50 કરોડનું કિલો સોનાની લૂંટ કરી હતી. ત્યારે આ મામલે વેપારી દ્વારા 5 લોકો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે હવે 25 કિલો સોનું લઈને નાસી ગયેલા દુકાનના કર્મચારી સહિત 5 વ્યક્તિ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.


Tags

Post a Comment

0 Comments