હાલમાં જ્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત(Gujarat)માં 2 મે સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને કરા પડતાં ધરતીવાસીઓની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. કમોસમી વરસાદ વચ્ચે રાજ્યમાં વીજળી પડવાના ત્રણ બનાવોમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી(Amreli) જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. સરસિયા, ગોવિંદપુર, ફાસરિયા સહિતના આજુબાજુના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. ખાંભાના અનીડા, સમઢીયાળા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદને કારણે ગામના માર્ગો પર પાણી પુરની જેમ વહી રહ્યા છે. માવઠાના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. ખાસ કરીને કેરીનો પાક તૈયાર થવાનો છે ત્યારે કેરી પકવતા ખેડૂતો પણ ચિંતિત છે.
જાણવા મળ્યું છે કે, કમોસમી વરસાદ વચ્ચે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળી પડવાના ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં પાટણ, બનાસકાંઠા અને અમરેલી જિલ્લામાં એક-એક વ્યક્તિ મળી કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પાટણની રાણકી વાવની મુલાકાતે આવેલા પ્રવાસી, અમરેલીના સાવરકુંડલાના સાકરપરામાં દુકાનદાર અને બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં એક કિશોરનું વીજળી પડતા મોત થયું હતું.
જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુર તાલુકામાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. કાલાવડ તાલુકાના નિકાવા, શીશાંગ, પીપર, આણંદપર, વડાળા સહિતના ગામોમાં પણ મુશળધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જામનગરના સપડા, વીજરખી ગામની આસપાસ પણ વરસાદ પડ્યો હતો. જ્યારે લાલપુર તાલુકામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે હવામાનમાં પલટો આવ્યો છે. જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. અંજારના રત્નાલ ગામમાં પોણો કલાક વરસાદ પડતા અડધો ઇંચ જેટલું પાણી પડી ગયું છે. ગામમાં ચાલી રહેલી કથાને લઈને લોકોએ વરસાદ રોકવા મંદિરમાં આરતી પણ કરી હતી. તે પછી, જાણે ભગવાન ઇન્દ્રએ પ્રાર્થના સ્વીકારી હોય તેમ, વરસાદ બંધ થઈ ગયો.