હાલમાં અદાણી ગ્રૂપ(Adani Group)ના શેરમાં ફરી એકવાર ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર ત્રણ ટ્રેડિંગ દિવસોમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં આશરે 80,000 કરોડનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. તેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ(Gautam Adani Net Worth) પર પણ પડી છે.
હિંડનબર્ગના પ્રભાવમાં ઘટાડો તેમજ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં વધારાને કારણે ગૌતમ અદાણી(Gautam Adani) અબજોપતિઓની યાદીમાં 21મા સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ, છેલ્લા ત્રણ દિવસમાં તેની કંપનીઓના શેરમાં ભારે ફેરફાર થયા છે. જેના કારણે તે હવે ત્રણ સ્થાન નીચે 24માં નંબર પર આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ગૌતમ અદાણીની કંપનીઓના શેર તૂટવાને કારણે તેમની નેટવર્થ હવે ઘટીને $54.8 બિલિયન થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં તેમને 3.24 અબજ ડોલર અથવા 26,000 કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. છેલ્લા ત્રણ દિવસના આંકડાઓ પર નજર કરતાં મંગળવારે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ઘટીને 8,90,750 કરોડ થયું હતું. જે 23 માર્ચે 9,70,730 કરોડ રૂપિયા હતી. આ અનુસાર માત્ર ત્રણ દિવસમાં તેમાં 79,980 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
જણાવી દઈએ કે, છેલ્લા ટ્રેડિંગ દિવસે અદાણી પાવર, અદાણી વિલ્મર, અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડમાં નીચી સર્કિટ લાગી હતી. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઇઝના શેર 7 ટકા ઘટીને અટક્યાં હતા. જોકે, બુધવારે બજાર ખુલતા જ તેમની કેટલીક કંપનીઓના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં લાંબા સમય સુધી ભારતીયોનું વર્ચસ્વ જળવાઈ રહ્યું હતું. પરંતુ, હાલ અબજોપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને આ યાદીમાંથી બહાર છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી 12મા સ્થાને છે. જણાવી દઈએ કે, ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $77.6 બિલિયન છે.