જાણવા મળ્યું છે કે, ઘરમાં રહેલા ચાર સભ્યમાંથી ત્રણ લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે એક તરુણી અંદર ફસાઈ ગઈ હતી. એ ફસાયેલી 15 વર્ષીય તરુણીને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જીવિત હાલતમાં બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. બિનસત્તાવાર માહિતી અનુસાર, ગેસનું ગીઝર ફાટતાં 3 બીએચકેના ફ્લેટમાં આગ પ્રસરી હતી.
મળતી માહિતી અનુસાર, આજે સવારે 7:28 વાગ્યે અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે શાહીબાગ ગિરધરનગર સર્કલ નજીક આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડનાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડીઓ રવાના કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂબિકલ સાથે તેમણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. ઘરમાં રહેલા પરિવારના ચારમાંથી ત્રણ સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઈ ગઈ હતી, જેથી ફાયરબ્રિગેડના જવાનો દ્વારા તેને બચાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.