આજકાલ વધી રહેલા અકસ્માત કેટલાય માસૂમ લોકોના જીવ લેતા હોય છે. ત્યારે નર્મદા જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નેત્રંગ તરફથી ડેડીયાપાડા તરફ આંટાફેરા મારી વિદેશી દારૂનો જથ્થો પહોંચાડનાર કારે રામેશ્વર હોટેલ આગળ આવેલ નિગટ ગામ પાસે મુખ્ય માર્ગ પર બાઈકસવારને અડફેટે લીધા હતા. જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં બાઈકચાલકનાં પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યાં હતા. જે બાબતે નર્મદા જીલ્લા પોલીસતંત્ર અકસ્માતો પર નિયંત્રણ લાવવા માટે ત્રણ દિવસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવમા લાગ્યું છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે દ્વારા અકસ્માત સ્થળની જાત મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન વાહનચાલકો પુરપાટ ઝડપે વાહનો દોડાવતા હોવાનું મોડે મોડે પણ ધ્યાને આવતાં જીલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડા અને જીલ્લા ટ્રાફિક ઇન્સ્પેક્ટરને સૂચનાઓ આપવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, સમગ્ર જીલ્લામાં ટ્રાફિક નિયમનની ભંગ કરી દોડતા વાહનો સામે લાલઆંખ કરવાની સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. આ ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત મોટર વ્હિકલ એક્ટ 207 અને 185નાં વધુમાં વધુ કેસો શોધવા નર્મદા જિલ્લાના તમામ પોલીસ મથકો સહિત જીલ્લા ટ્રાફિકને પણ સુચના આપવામાં આવી છે.