હાલમાં અમદાવાદમાં મોટાપાયે ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી ઉત્સવમાં દરેક વસ્તુ અલગ-અલગ સંદેશ સાથે મૂકવામાં આવી છે. જેમ કે, ગ્લો ગાર્ડનમાં મૂકવામાં આવેલી વસ્તુઓ એ જણાવવા માટે કે પ્રકૃતિથી લઈને વિજ્ઞાન સુધીની દરેક વસ્તુ જીવનમાં મહત્વપૂર્ણ છે. નગરમાં મૂકવામાં આવેલા ચિહ્નો ભક્તિ અને શ્રદ્ધા શીખવે છે. દિલ્હીના અક્ષરધામ જેવી પ્રતિકૃતિ ભવ્ય પ્રમુખ સ્વામીનગરમાં બનાવવામાં આવી છે. આ મંદિરની આસપાસ નાના-નાના તળાવો છે અને તેમાં આ પાંદડા તરી રહ્યા છે.
પહેલી નજરે એવું લાગે કે, આ પાન પ્લાસ્ટિકનાં હશે, ખોટાં હશે પરંતુ જણાવી દઈએ કે, આ પાન સાચા છે અને વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી લાવવામાં આવ્યાં છે. આ પાનને સંસ્કૃતમાં કમળપત્ર કહે છે, પણ કમળની ઘણી બધી પ્રજાતિમાંની આ સૌથી મોટી પ્રજાતિ 'વિક્ટોરિયા એમેઝોનિકા' છે. આ છે તો કમળનાં જ પાન, પરંતુ એમેઝોનના જંગલમાં જ ઊગતા આ કદાવર પાન પ્રમુખ સ્વામીનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
એવું જાણવા મળ્યું છે કે, આ પાન કદાવર તો છે જ પરંતુ તે એના કદ કરતાં અનેકગણું વજન પણ ઉપાડી શકે છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દિલ્હીના અક્ષર મંદિરની પ્રતિકૃતિની આજુબાજુ નાનાં સરોવર બનાવવામાં આવ્યા છે અને ત્યાં આ વિક્ટોરિયા એમેઝોનિકાનાં વિશાળ પાંદડા તરે છે.
આ પાન ઉપર પ્રમુખ સ્વામીની દિવ્ય પ્રતિમા મૂકવામાં આવી હતી. આ દૃશ્ય જોઈને સૌ અભિભૂત થઈ જતા હતા. આ પાન ખાસ એમેઝોનનાં જંગલોમાંથી ખૂબ જ સંભાળથી લાવવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે, એમેઝોનનું જંગલ આઠ દેશમાં ફેલાયેલું છે.
વિક્ટોરિયા એમેઝોનિકા એ ફૂલોના છોડની એક પ્રજાતિ છે, જે વોટર લિલી ફેમિલી Nymphaeaceaeનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. આ ઉપરાંત, તે ગુયાનાનું રાષ્ટ્રીય ફૂલ છે. વિક્ટોરિયા એમેઝોનિકાના પાન 10 ફૂટના ઘેરાવા સુધીના હોય છે, જે પાણીની સપાટી પર ડૂબી ગયેલી દાંડી પર તરે છે.
જણાવી દઈએ કે, આ પાનની લંબાઈ 26 ફૂટ સુધી વિસ્તરે છે અને એનાકોન્ડા જેવા તોતિંગ સાપ આ પાનની નીચે વસવાટ કરે છે. વિક્ટોરિયા એમેઝોનિકા એમેઝોનનાં જંગલોમાં એમેઝોન નદીના તટપ્રદેશના છીછરા પાણીમાં ઊગે છે. આ ઉપરાંત, વિક્ટોરિયા એમેઝોનિકા પ્રજાતિનું કમળનું ફૂલ સંપૂર્ણ ખૂલતાં બે દિવસનો સમય લાગે છે.
રાત્રિના સમયે ફૂલ બંધ થઈ જાય છે. આ પાનની દાંડીઓ જ એની સૌથી મોટી ખાસિયત છે. એક પાન એક દાંડીના આધારે નથી હોતું. પાનની ગોળાઈ મુજબ પાનની નીચેના ભાગે કરોળિયાના જાળાની જેમ દાંડીઓ ગોઠવાયેલી હોય છે. આ આખું પાન તે દાંડીઓ ઉપર ઊભું છે. આ પાનની દાંડી ફરતે કડક આવરણ હોય છે. એની દાંડીઓ હાડકાં જેવી કડક હોય છે એટલે કીટકો અને માછલીઓ આ પાનની દાંડીને પાણીની નીચેથી કોતરીને ખાઈ શકતાં નથી.