ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોદ્વારા શુક્રવારે બપોરે 2:35 કલાકે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરવામાં આવ્યું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી LVM3-M4 રોકેટ દ્વારા ચંદ્રયાનને અવકાશમાં છોડવામાં આવ્યું હતું.
16 મિનિટ પછી, રોકેટે ચંદ્રયાનને પૃથ્વીની ઑર્બિટમાં છોડ્યું. લોન્ચિંગ બાદ ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે, ચંદ્રયાન-3એ ચંદ્ર તરફની સફર શરૂ કરી દીધી છે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે કરવામાં આવશે.
ચંદ્રયાન-3 અવકાશયાન લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ ધરાવે છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ઑર્બિટમાં હોય ત્યારે પૃથ્વી પરથી રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા ISRO એ શોધી કાઢશે કે, ચંદ્રની સપાટી પર કેટલા ભૂકંપ આવે છે, માટી અને ધૂળનો પણ અભ્યાસ કરવામાં આવશે.
જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. યુ.એસ. અને રશિયા બંનેના કેટલાય અવકાશયાન ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરતા પહેલા ક્રેશ થયા હતા. ચીન એકમાત્ર એવો દેશ છે જેણે 2013માં ચાંગ ઈ-3 મિશન સાથે તેના પ્રથમ પ્રયાસમાં સફળતા મેળવી હતી.
આ વખતે લેન્ડરમાં 5ને બદલે 4 એન્જિન શા માટે?
આ વખતે લેન્ડરના ચાર ખૂણામાં ચાર એન્જીન (થ્રસ્ટર્સ) હશે, પરંતુ છેલ્લી વખતે વચ્ચેનું પાંચમું એન્જિન હટાવી દેવામાં આવ્યું છે. આ સિવાય ફાઈનલ લેન્ડિંગ માત્ર બે એન્જિનની મદદથી કરવામાં આવશે, જેથી ઈમરજન્સીની સ્થિતિમાં બે એન્જિન કામ કરી શકે. ચંદ્રયાન 2 મિશનમાં છેલ્લી ક્ષણે પાંચમું એન્જિન ઉમેરવામાં આવ્યું હતું. એન્જિન દૂર કરવામાં આવ્યું છે, જેથી વધુ ઈંધણ સાથે લઈ જઈ શકાય.
મિશન માત્ર 14 દિવસ માટે જ શા માટે હશે?
મનીષ પુરોહિતે જણાવ્યું કે, ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ પ્રકાશ હોય છે. જ્યારે અહીં રાત હોય છે, ત્યારે તાપમાન -100 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. ચંદ્રયાનનું લેન્ડર અને રોવર પોતાની સોલાર પેનલથી વીજળી ઉત્પન્ન કરશે. જેથી તેઓ 14 દિવસ સુધી પાવર જનરેટ કરશે, પરંતુ વીજ ઉત્પાદન પ્રક્રિયા રાત્રે બંધ થઈ જશે. જો ત્યાં વીજ ઉત્પાદન ન હોય, તો ઇલેક્ટ્રોનિક્સ ભારે ઠંડીનો સામનો કરી શકશે નહીં અને બગડી જશે.
આ મિશનથી ભારતને શું ફાયદો થશે?
ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહિતનું કહેવું છે કે, આ મિશન દ્વારા ભારત દુનિયાને જણાવવા માંગે છે કે તેની પાસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ અને ત્યાં રોવર ચલાવવાની ક્ષમતા છે. તેનાથી ભારત પર વિશ્વનો વિશ્વાસ વધશે, જે બિઝનેસ વધારવામાં મદદ કરશે. ભારત તેના હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ LVM3-M4 થી ચંદ્રયાન લોન્ચ કરશે. ભારત આ વાહનની ક્ષમતા દુનિયાને બતાવી ચૂક્યું છે.