હાલમાં રાજ્યના મહેસાણા(Mehsana)ના ઊંઝા(Unza)માં જીરાના નામે વરિયાળીનો ખેલ ચાલતો હોવાનું બહાર આવ્યું છે. ઊંઝા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભેળસેળનો ધંધો દિવસેને દિવસે વધી રહ્યો છે. જીરામાં ભેળસેળ કરનારાઓને મોટી કમાણી કરવાની તક મળી છે. ત્યારે ઊંઝા તાલુકાના મકતુપુરમાં નકલી જીરું બનાવવાનું કારખાનું ઝડપાયું છે.
મળતી માહિતી અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર-પાટણના સંયુક્ત ઉપક્રમે ઊંઝા તાલુકાના મકતુપુરમાંથી નકલી જીરુંનું કારખાનું જપ્ત કર્યું હતું. મકતુપુર-સુનક રોડ પર આવેલા પટેલ મહેન્દ્ર મફતલાલ નામના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં 54 બોરીઓમાં 2700 કિલો નકલી જીરૂ મળી આવ્યું હતું. જેના કારણે ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું. જીરું વરિયાળીની ભૂકી પર પ્રક્રિયા કરીને, હલકી ગોળની રસી અને બ્રાઉન પાવડર મિક્સ કરી જીરું બનાવાતું હતું. ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કે.આર.પટેલ દ્વારા સેમ્પલ મેળવી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.
જીરું લૂઝ 2700 કિલો અંદાજિત કિંમત રૂ.1,62,00 ગોળની રસી 100 કિલો અંદાજિત કિંમત રૂ.1000 બ્રાઉન પાવડર લૂઝ 350 કિલો અંદાજિત કિંમત રૂ.1750 જીરું સોનફ લૂઝ 630 કિલો અંદાજિત કિંમત રૂ.50,400 સહિત કુલ 3680 કિલોગ્રામ મળી 2,14,150નો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. હાલમાં ગાંધીનગરના ફૂડ વિભાગની ટીમ દ્વારા નકલી જીરું બનાવતી કંપનીના માલિક પટેલ મહેન્દ્રભાઈ મફતભાઈ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશ્નર ડો. એચ. જી કોશિયાએ આ અંગે જણાવ્યું હતું કે, ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત કોશિયાએ વધુમાં જણાવ્યું કે, ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા બનાવટી જીરું અંગે ઊંઝામાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં કૌભાંડ આચરનાર વેપારી પટેલ મહેન્દ્રભાઈ મફતલાલ, મકતુપુર- સુણોક રોડ, મુ-મકતુપુર, ઊંઝાની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. સંપૂર્ણ તપાસ દરમિયાન, પેઢી નકલી જીરું બનાવવા માટે બ્રાઉન પાવડર અને ગોળની રસી સાથે વરિયાળીનું મિશ્રણ કરતી હોવાનું જણાયું હતું, જે પ્રાથમિક દૃષ્ટિએ ભેળસેળયુક્ત જીરું હોવાનું સામે આવ્યું હતું.