ઈન્દોરમાં ચાલી રહેલી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં 18 વર્ષની સોનમ ગર્લ્સની 2000 મીટર સ્ટીપલચેસમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ચેમ્પિયન બની હતી. રવિવારે તે આ સ્પર્ધામાં 6:45:71 સેકન્ડનો સમય લઈને ગોલ્ડન મેડલ જીતનાર ગર્લ બની હતી.
સોનમે તોડ્યો 11 વર્ષ જૂનો રેકોર્ડ
2012માં લખનૌમાં યોજાયેલી યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પારુલ ચૌધરીએ 7:06:49 સેકન્ડ સાથે આ રેકોર્ડ બનાવ્યો હતો. બુલંદશહેરના એક નાના ગામમાં રહેતા સોનમના પિતા વીર સિંહ ઈંટના ભઠ્ઠામાં મજૂર છે. માતા અન્ય લોકોના ખેતરોમાં કામ કરે છે. પરિવારમાં 9 લોકો છે અને નાનકડા ઘરમાં જીવવું ખૂબ મુશ્કેલ છે.
સોનમે 2020માં પોતાની કારકિર્દીની શરૂઆત અડચણો સાથે કરી હતી. તેની સહનશક્તિ જોઈને કોચે તેને સ્ટીપલચેઝમાં નસીબ અજમાવવા કહ્યું. આ દરમિયાન લોકડાઉન થયું હતું. બુલંદશહેરથી દિલ્હીમાં પ્રેક્ટિસ કરવા આવેલી સોનમને ખર્ચો ઉઠાવવા માટે ડિલિવરી ગર્લ તરીકે કામ કરવું પડ્યું હતું.
અભ્યાસ છુટ્યા બાદ છોકરાઓ સાથે દોડવાનું શરૂ કર્યું...
નબળી આર્થિક સ્થિતિને કારણે સોનમે આઠમા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો હતો. ગામના છોકરાઓ લશ્કરમાં ભરતી થવાની તૈયારી કરવા દોડતા. તેને જોઈને સોનમ પણ દોડવા લાગી. સ્થાનિક ટુર્નામેન્ટ જીતવા પર તેને એકથી બે હજાર રૂપિયા મળતા હતા.
સોનમે તેના પિતાને કોચિંગ કરાવવા કહ્યું પરંતુ ઘરની હાલત જોઈને તેણે ના પાડી દીધી. આ પછી કોચ સંજીવ કુમાર સોનમનો સહારો બન્યા. કંઈક કરવાની ઈચ્છા સાથે સોનમ ભૂખ્યા રહીને પણ ઘણી વાર દોડી જતી હતી. તેણે ગયા વર્ષે પણ આસામમાં જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.