હાલ જ્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો માહોલ છવાયેલો છે ત્યારે વડોદરા જિલ્લાની બહુચર્ચીત બેઠક વાઘોડિયાના જરોદ ટાઉનમાંથી અમુલ દૂધની વાનમાંથી જરોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટની 101 દારુની પેટીઓ ઝડપી પાડતા હોબાળો મચી જવા પામ્યો છે. આ દારુનો જથ્થો જિલ્લાના એક ઉમેદવાર દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ દારુનો જથ્થો કયા ઉમેદવારનો હતો તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે. આ દારુનો જથ્થો જરોદનો વિક્રમસિંહ રણાની માલિકીના ટેમ્પોમાંથી મળી આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ ઉમેદવારો દ્વારા મતદાનની પૂર્વ રાત સુધી દારુ અને ભેટ સોગાદો આપવાનું શરૂ કરવામાં આવતું હોય છે. ત્યારે મોટા ભાગના ઉમેદવારો કાર્યકરો અને મતદારો માટે દારુનો જથ્થો મંગાવવામાં આવતો હોય છે. વડોદરા જિલ્લાના કેટલાંક ઉમેદવારો દ્વારા ચૂંટણીના બે દિવસ પહેલા દારુની રેલમછેલ કરવા દારુનો જથ્થો મંગાવી દેવામાં આવ્યો હોવાનું બુટલેગર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
જરોદના પી.આઇ. એમ.સી. પરમાર દ્વારા જાણવા મળ્યું હતું કે, જરોદ ટાઉનમાં અમુલ દૂધના ટેમ્પોમાંથી રૂપિયા 2.80 લાખની કિંમતનો ભારતીય બનાવટનો 101 પેટી દારુ ઝડપી પાડવામાં આવ્યો છે. દારુના આ જથ્થા સાથે ટેમ્પો ચાલક મહેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ટેમ્પોના માલિક વિક્રમસિંહ રણાનેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિક્રમસિંહ રણા ઝડપાયા બાદ આ દારુ ક્યાંથી લાવ્યો હતો અને કોણે પહોંચતો કરવાનો હતો તે અંગેની માહિતી બહાર આવશે. રૂપિયા 2.80 લાખની કિંમતનો દારુ તથા રૂપિયા 5 લાખની દૂધની વાન મળી કુલ્લે રૂપિયા 7.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, છેલ્લે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા જરોદ પાસેથી રૂપિયા 59 લાખ ઉપરાંતનો ગાંધીધામ લઇ જવાતો દારુનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વડોદરા જિલ્લામાં નાના-મોટા દારુ પકડવાના કેસ થઇ રહ્યા હતા. આ દરમિયાન વાઘોડીયા તાલુકાની જરોદ પોલીસ દ્વારા માહિતીના આધારે જરોદમાં લાવવામાં આવેલો 101 પેટી દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દારુનો જથ્થો વડોદરા જિલ્લાના એક ઉમેદવાર દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, આ ઉમેદવાર કોણ છે તે માહિતી ફરાર જરોદનો વિક્રમસિંહ રણા ઝડપાયા બાદ બહાર આવશે.